વચનામૃત અમદાવાદનું - ૫
સંવત ૧૮૮૨ના ફાગણ વદિ ૪ ચતુર્થીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને વિષે પોતાને પોઢવાની મેડીને વિષે વિરાજમાન હતા અને ઢોલિયા ઉપર તકિયાનું ઊઠીંગણ દીધું હતું ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે ગુલાબનો મોટો હાર વિરાજમાન હતો ને મસ્તકને વિષે પુષ્પના તોરા લટકતા હતા ને હસ્તને વિષે તુળસીની માળાને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ તે સમે કુબેરસિંહજી છડીદારે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! શ્રી પુરુષોત્તમ એવા જે ભગવાન તેનું અસાધારણ લક્ષણ તે શું છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જીવનાં પ્રાણ-નાડી તેનો સંકેલો કરવો તે બીજાથી થાય નહિ, ને લાખું માણસ નિયમમાં રહ્યાં થકાં વશ થઈ રહે તે બીજા કોઈથી થાય નહિ, અને અક્ષર આદિક જે મુક્ત તેને પણ નિયમમાં રાખવાને સમર્થ છે એ અસાધારણ લક્ષણ કહ્યું. (૧)
૨ વળી કુબેરસિંહે બીજો પ્રશ્ન કર્યો જે, (૨) હે મહારાજ ! અસંખ્ય કોટિ બ્રહ્માંડ છે ને ભગવાનનો અવતાર તો આ જ બ્રહ્માંડમાં ને જંબુદ્વીપના ભરતખંડને વિષે છે અને બીજા બ્રહ્માંડમાં અસંખ્ય જીવ છે તે જીવોનો ઉદ્ધાર ભગવાન શી રીતે કરતા હશે ? તે કહો. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, જે ભગવાન આ બ્રહ્માંડને વિષે વિરાજે છે તે જ ભગવાન સર્વના સ્વામી છે ને અનંતકોટિ બ્રહ્માંડને વિષે અસંખ્ય જીવોના કલ્યાણને અર્થે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે ભગવાન પોતે દેહને ધારણ કરે છે તેને શરણે અસંખ્ય જીવ થાય છે, તેણે કરીને અક્ષરધામમાં શ્રી પુરુષોત્તમનાં ચરણારવિંદને ઘણાક જીવ પામે છે એ એનો ઉત્તર છે. (૨)
૩ અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો જે, (૩) હે મહારાજ ! ભગવાનને જાણવાવાળા જે ભગવાનના ભક્ત સત્સંગી તેને શું શું તજવું ને શું શું ગ્રહણ કરવું ? તે કહો. પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, આ લૌકિક આશા જે છે તેનો ત્યાગ કરવો ને ભગવાનની તરફની આશાનું ગ્રહણ કરવું. તે જો ધનને વિષે આશા હોય તો એમ આશા બાંધવી જે ભગવાનના ધામમાં સોનામહોરુંના ઢગલા ને ઢગલા છે, ને હીરા, રત્ન, માણેક અમૂલ્ય તેના પણ ઢગલા ને ઢગલા છે, એ સર્વે ભગવાનને ભજશું તો પામશું એમ આશા બાંધવી, પણ અહીંયાંની આશા ન બાંધવી. અને જો કામી હોય તો એમ વિચાર કરે જે પરસ્ત્રી સામી ખોટી નજર કરશું તો નરક ચોરાશીમાં તે પાપે જાવું પડશે ને ત્યાં મહાદુઃખ થાશે, ને વિષય તો કૂતરાં-ગધેડાં પણ ભોગવે છે અને મુને તો પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે તે કુરાજી થાશે તો મોટી ખોટ્ય આવશે, એમ જાણીને કામવાસનાનો ત્યાગ કરવો અને ભગવાન સંબંધી સુખનું ગ્રહણ કરવું, ને દેહના સંબંધીમાં પ્રીતિ હોય તેનો ત્યાગ કરવો ને ભગવાન ને ભગવાનના દાસ જે સંત તે સંગાથે પ્રીતિ કરવી એ ગ્રહણ કરવું. ને દેહને વિષે અહંબુદ્ધિ હોય તો તેનો ત્યાગ કરીને ભગવાનના દાસપણાની બુદ્ધિનું ગ્રહણ કરવું. ને ભગવાન અથવા સાધુ તે પોતાને કોઈક રીતે વઢ્યા હોય ને તિરસ્કાર કર્યો હોય તો તેનો મનમાંથી ત્યાગ કરવો ને પોતાની ભૂલ જાણવી ને ભગવાનનો ને સંતનો ગુણ ગ્રહણ કરવો એવી રીતે સર્વે સવળું વિચારવું પણ અવળું તો કોઈ દિવસ વિચારવું જ નહિ એ ઉત્તર છે. (૩)
૪ અને વળી કુબેરસિંહે પ્રશ્ન પૂછ્યો જે, (૪) હે મહારાજ ! ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારેનું રૂપ કહો. પછી શ્રીજીમહારાજ મંદ મંદ હસીને એમ બોલ્યા જે, અર્થનું રૂપ તો એ છે જે જેણે કરીને ધન ભેળું કરવું અથવા મોક્ષ સંબંધી પોતાનો અર્થ સાધવો એ પણ અર્થનું રૂપ છે. અને ધર્મનું રૂપ તો એ જે તે ધન ધર્મને અર્થે સત્સંગમાં જ વાપરે પણ કુમાર્ગે ક્યાંય ન વાપરે એ ધર્મનું રૂપ છે. અને કામનું રૂપ તો એ જ છે જે એક પરણેલ સ્ત્રી રાખે ને તેનો પણ ઋતુકાળે સંગ કરે અને બીજી સ્ત્રીઓ જગતમાં છે તેને મા, બહેન, દીકરી તુલ્ય જાણીને ત્યાગ રાખે. અને મોક્ષનું રૂપ તો એ જે સત્સંગ સંબંધી જે સર્વે વર્તમાન તેને ખબડદાર થઈને રાખે ને ભગવાનનો અચળ નિશ્ચય રાખે એમ એ ચારેનો ઉત્તર છે. એમ કહીને શ્રીજીમહારાજ પછી પોઢી જાતા હવા. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૫।। (૨૨૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે જીવના નાડી-પ્રાણનો સંકેલો કરવો તથા લાખો માણસોને વશ કરવા તથા મૂર્તિમાન અક્ષરકોટિને નિયમમાં રાખવા તથા અમારા મુક્તને પણ નિયમમાં રાખવા તે અમારું અસાધારણ લક્ષણ છે. (૧) બીજામાં અમે સર્વના સ્વામી છીએ અને અનંત બ્રહ્માંડમાં અસંખ્ય જીવોના કલ્યાણને અર્થે બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે દર્શન આપીને અસંખ્ય જીવોને અમારા ધામમાં લઈ જઈએ છીએ. (૨) ત્રીજામાં ધનની તથા કામની વાસનાનો ત્યાગ કરવો ને અમારા સુખની વાસના રાખવી; અને દેહ ને દેહના સંબંધીને વિષે પ્રીતિ ને અહંબુદ્ધિ ત્યાગ કરીને અમારે ને સંતને વિષે પ્રીતિ ને અમારે વિષે દાસપણું રાખવું, ને અમે તિરસ્કાર કરીએ તો પોતાની ભૂલ જાણવી ને અમારો ને સંતનો ગુણ લેવો. (૩) ચોથામાં ધર્મ, અર્થ, કામ ને મોક્ષનાં રૂપ કહ્યાં છે. (૪) બાબતો છે.
૧ પ્ર પહેલા પ્રશ્નમાં સર્વોપરી ને મૂળઅક્ષરાદિક સર્વ અવતારોના અવતારી ને અનંતકોટિ મુક્તોના સ્વામી સાક્ષાત્ શ્રી સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ તેમણે પોતાનાં અસાધારણ બે લક્ષણ કહ્યાં તે વિનાનાં બીજાં અસાધારણ લક્ષણ હોય તે કૃપા કરીને કહો.
૧ ઉ પૂર્વે થઈ ગયેલા સર્વે અવતારોને પોતાની મૂર્તિને વિષે દેખાડે તે દિવ્ય મૂર્તિ એવા શ્રીજીમહારાજનું પ્રથમ લક્ષણ છે. (૧) અને વૈકુંઠાદિક લોકને વિષે રહેલી દિવ્ય મૂર્તિઓ તથા તે મૂર્તિઓમાં રહેલું દિવ્ય અદ્ભુત એવું જે ઐશ્વર્ય ને સુખ તે પોતાની મૂર્તિને વિષે બહુ મનુષ્યોને દેખાડે તે બીજું લક્ષણ છે. (૨) અને સાધારણ મનુષ્યોને પણ સમાધિ કરાવીને પોતાની મૂર્તિને વિષે ચિત્તનો નિષેધ કરાવે તે આમાં પહેલી બાબતમાં પ્રથમ લક્ષણ કહ્યું જે નાડી-પ્રાણનો સંકેલો કરવો તે આ શ્રીજીમહારાજનું ત્રીજું લક્ષણ છે. (૩) અને બીજા અવતારોએ કલ્યાણ કર્યું તથા ચિત્તનો નિષેધ કર્યો તેવું સામર્થ્ય તો પોતાનાં ભક્તો દ્વારે જણાવ્યું તે શ્રીજીમહારાજનું ચોથું લક્ષણ છે. (૪) અને પોતાનું અપાર તેજોમય એવું જે અક્ષરધામ તેને વિષે દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન અને અનંતકોટિ મુક્તો પોતાની સેવામાં છે એવાં પોતાનાં દર્શન જેવા તેવા મનુષ્યોને કરાવે તે પાંચમું લક્ષણ છે. (૫) અને પૂર્વના શાસ્ત્રને વિષે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ધર્મ, યોગ, સાંખ્ય વગેરેનાં સ્વરૂપનું વર્ણન કરેલું છે તેનું વર્ણન પોતાના યોગબળથી કરે અથવા પોતાના ભક્ત પાસે વર્ણન કરાવે ત્યારે પૂર્વના શાસ્ત્ર કરતાં તેમાં બહુ ચમત્કાર આવે અને અર્થ પણ સૌના સમજ્યામાં આવે ને અમૃતની પેઠે સર્વેને શાન્તિ કરે તે સાક્ષાત્ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમનું છઠ્ઠું લક્ષણ છે. (૬) અને લોહચમકવત્ પોતાનાં દર્શનમાત્રે કરીને અનેક જીવની વૃત્તિઓનો પોતાને વિષે સહજ સ્વભાવે નિરોધ થાય ને લાખો માણસને વશ કરવા તથા મૂળઅક્ષરકોટિને તથા અનંતકોટિ મુક્તોને પણ નિયમમાં રાખવા સમર્થ એમ આ વચનામૃતમાં પહેલી બાબતમાં પછીથી બીજું લક્ષણ કહ્યું તે આ સાતમું લક્ષણ છે. (૭) અને જીવનું પોતાના આશ્રય માત્રે કરીને પરમ કલ્યાણ થાય ને અંતકાળે પોતાના મુક્તોએ સહિત દર્શન આપીને અક્ષરધામમાં લઈ જાય તે આઠમું લક્ષણ છે. (૮) અને ઘોર કળિયુગને વિષે પોતાની આજ્ઞાને વિષે અનેક મનુષ્યોને વર્તાવીને તેમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિને વિષે સ્થિતિ કરાવે તે નવમું લક્ષણ છે. (૯) અને અષ્ટાંગયોગ સિદ્ધ કર્યા વિના પણ, પોતાના સંબંધને પામેલું વસ્ત્ર તથા પુષ્પ તથા છડી તેના સ્પર્શે કરીને તથા દર્શને કરીને સમાધિઓ કરાવે, ને તે સમાધિઓમાં પોતાનું ઐશ્વર્ય, મૂર્તિ, ધામ તે સર્વેને દેખાડે તે દશમું લક્ષણ છે. (૧૦) અને કોઈ પરદેશ જઈને મનુષ્યોની આગળ શ્રીજીમહારાજની મૂર્તિ સંબંધી વાર્તા કરે તે વાર્તાને સાંભળનારા મનુષ્યો શ્રીજીમહારાજને તેજના સમૂહમાં દેખે તે અગિયારમું લક્ષણ છે. (૧૧) અને પ્રધાનપુરુષ પર્યંત જીવકોટિ અને મૂળપ્રકૃતિરૂપ માયા ને મૂળપુરુષરૂપ ઈશ્વર અને મહાકાળ અને બ્રહ્મ ને મૂળઅક્ષર એ સર્વે કોટિઓથી પર પરમએકાંતિક તથા અનાદિમુક્ત તે સર્વેના સ્વરૂપનાં તથા પોતાના સ્વરૂપના ભેદે સહિત જુદાં જુદાં લક્ષણ કરે અથવા પોતાના ભક્ત પાસે કરાવે અને તે સર્વેના ઐશ્વર્ય સહિત સ્વરૂપને ઘણાક મનુષ્યોને દેખાડે તે સર્વોપરી અક્ષરધામાધિપતિ એવા પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનું આ બારમું લક્ષણ છે. (૧૨) અને પોતાના પૂર્વના અવતારોને પોતાની મૂર્તિને વિષે લીન કરતા ઘણાક મનુષ્યોને દેખાડે અને પોતે કોઈ અવતારમાં લીન ન થાય તે ધર્મદેવના પુત્ર શ્રીહરિ ભગવાનનું આશ્ચર્યકારક આ તેરમું લક્ષણ જાણવું. (૧૩)
૨ પ્ર ત્રીજા પ્રશ્નમાં અમારા ધામમાં સોનમહોરના તથા હીરા-માણેકના ઢગલા છે એમ કહ્યું તે એ માયિક વસ્તુ શ્રીજીમહારાજના ધામમાં તો ન હોય માટે કેવી રીતે સમજવું ?
૨ ઉ નવા આદરવાળા સકામ ભક્તને લોભ દેખાડીને આ લોકમાંથી ઉખેડવા સારુ કહ્યું છે. પણ માયાથી પર જે લોક છે તેમાં માયિક વસ્તુ છે જ નહીં. ।।૫।।